ગુજરાતના આ વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી, અધિકારી દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ થઇ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના રાજ્યના જુદા જુદા ઝોનની અંદર સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં છે. આ સિવાય ડાંગ, તાપી, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષની સરખામણીએ આ આ વર્ષે અત્યાર સુધીના સમય દરમિયાન 30 ટકા વધુ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં થયો છે. આણંદમાં અત્યાર સુધીમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ, પંચમહાલના વડાલીમાં 6 ઇંચ અને દક્ષિણ ગુજરાતના સુરત માં 4 ઈચ વરસાદ થયો છે.

આગામી 24 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને નૈઋત્યના પવનો દક્ષિણ ગુજરાતમાં વધુ જોર કરશે. જેને પગલે 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 જૂન સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથોસાથ ઓખા, દીવ મને માંડવીના દરિયાકિનારે ભારે પવનને કારણે ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

રાજ્યમાં વિસ્તાર પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોમમાં વરસાદ થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત ઝોનમાં નોંધાયો છે. ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ વધુ વરસાદ થયો છે.

અત્યાર સુધીમાં રાજ્યના 144 કરતા વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે પણ રાજ્યમાં ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ અપાઇ છે. હવામાન વિભાગની સંભાવના મુજબ રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારુ રહેશે એવા સંકેતો ચોમાસાની શરૂઆતથી જ જોવા મળી રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જૂન મહિનાના અંતમાં ચોમાસુ વધુ સક્રિય બને તેવી આગાહી કરી છે.

બીજી તરફ દેશભરમાં વરસાદની વાત કરીએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર ચોમાસુ સતત પ્રબળ બની રહ્યું છે. નેપાળમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. નેપાળમાં આવેલા પૂરને કારણે બિહારમાં પણ અનેક નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *