આવનારા નવા અઠવાડિયામાં પડી શકે છે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગ ની સામે આવી નવી આગાહી

રાજ્યમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી પાંચ સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની તિવ્રતા વધે તેવી શક્યતા છે.

આગામી સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના નહીંવત છે તો અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 જુલાઈ સુધી અમદાવાદમાં વરસાદ સંભાવના નહીંવત છે. આગામી પાંચ દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 12.62 ટકા , ઉત્તર ગુજરાતમાં 12.81 ટકા,દક્ષિણ ગુજરાતમાં 16. 27 ટકા અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, દિલ્હીમાં 90 વર્ષ પછી જુલાઈમાં સૌથી વધુ ગરમી.

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની માગ પણ વધી ગઈ છે. દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેના કારણે દિલ્લીમાં વીજળીની સર્વોચ્ચ માગ ગુરૂવારે સાત હજાર 26 મેગાવોટ સુધી પહોંચી હતી. આ માગ વર્ષ 2020 અને 2021ની તુલનામાં સૌથી વધુ છે.

ગુજરાતમાં વરસાદ અંગે અગત્યની આગાહી આ મુજબ ની છે : ગુજરાતમાં વરસાદની હાલની સ્થિતિ અને આગામી દિવસોની સ્થિતિ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ અને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યની અંદર વરસાદ થઈ રહ્યો નથી રાજ્યના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થાય છે. પરંતુ હાલ 7-8 જુલાઈ સુધી બંગાળની ખાડીમાં કોઈ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ નથી. 8 જુલાઇ પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેથી જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાના અંત ભાગમાં રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વરસાદ એક ફેજ પછી બીજા ફેજ તેવી રીતે તબક્કાવાર આવે છે. હાલ વરસાદ નો બ્રેક ફેજ ચાલી રહ્યો છે એટલે કે વરસાદનો વિરામનો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં આ વિરામના તબક્કાનો અંત આવશે અને ગુજરાતમાં બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી રાજ્યમાં ક્યાંય પણ સારો વરસાદ થયો હોય તેવી માહિતી મળી નથી. હાલ ગુજરાતમાં વરસાદનો વિરામનો તબક્કો ચાલી રહ્યો છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વિરામનો તબક્કો બે અઠવાડિયાનો હોય છે અને 7 જુલાઇ પછી વિરામનો તબક્કો પૂરો થયો છે. જેથી 7 જુલાઈ પછી ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં 14.54 ટકા વરસાદ નોંધાયો છે. આજ સમય સુધી ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષે આ સમય સુધીમાં 15.90 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાવણી વહેલી થઈ ગઈ હતી, જેથી હાલ ખેડૂતોના પાકને વરસાદની ખૂબ જ જરૂર વર્તાઈ રહી છે. દરમિયાન હવે 7 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, 13 જુલાઇ પછી ગુજરાતમાં ચોમાસુ પ્રબળ બનશે. બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિકો અને આગાહીકારો દ્વારા યોજવામાં આવેલ વેબીનારમાં પણ એવી સંભાવનાઓ જણાવવામાં આવી હતી કે જુલાઈ મહિનાના અંતમાં કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે.

દેશભરમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો હાલ દક્ષિણ પશ્ચિમી પવનો નબળા પડ્યા છે પરંતુ ઉત્તર પૂર્વના પવન મજબૂત છે. જેના કારણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારના ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ ભારતીય હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *