શા માટે ગુજરાતમાં નથી થઈ રહ્યો વરસાદ કેમ આગાહીઓ ખોટી પડી રહી છે, થયો સૌથી મોટો ખુલાસો - Jan Avaj News

શા માટે ગુજરાતમાં નથી થઈ રહ્યો વરસાદ કેમ આગાહીઓ ખોટી પડી રહી છે, થયો સૌથી મોટો ખુલાસો

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ આગાહી મુજબ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શા માટે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો નથી? શા માટે વરસાદની આગાહીઓ ખોટી પડી રહી છે.

રાજ્યમાં જોવા મળી રહેલી વરસાદની આ વિપરીત પરિસ્થિતિ અંગે સંશોધન કરતા કેટલીક અગત્યની માહિતીઓ સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદની આગાહીઓ ખોટી પડી રહી છે, પરંતુ આ વચ્ચે એક આગાહી સાચી પડી છે. ગત મહિને એક ટોપની પ્રાઇવેટ હવામાન કંપનીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં ચોમાસામાં અનિયમિતતા જોવા મળશે.

વરસાદની આગાહી ખોટી પાડવા પાછળનું કારણ એ છે કે વરસાદી આબોહવામાં સતત અનિયમિતતા જોવા મળી રહી છે. જો શરૂઆતથી વાત કરીએ તો પહેલા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે, 1 જૂનના રોજ કેરળમાં ચોમાસુ બેસશે. પરંતુ અંદમાન નિકોબાર પરથી આવી રહેલા વરસાદી પવનો યાસ વાવાઝોડાની અસરથી નબળા પડતા કેરળમાં ચોમાસુ બે દિવસ મોડું એટલે કે 3 જૂનના રોજ બેસ્યું હતું.

બાદમાં હવામાન વિભાગનું અનુમાન હતું કે કેરળથી ચોમાસુ ધીમે-ધીમે આગળ વધશે. પરંતુ બંગાળની ખાડીમાં અચાનક ઉભા થયેલા હળવા દબાણની અસરથી વરસાદી પવનો મજબૂત બન્યા હતા. જેના પગલે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સંભવિત તારીખ કરતા વહેલું પહોચ્યું. જેથી ફરી એકવાર આગાહી ખોટી સાબિત થઈ.

દરમિયાન હવે મહારાષ્ટ્રથી ગુજરાત અને અન્ય ઉત્તર તરફના રાજ્યોમાં આગળ વધી રહેલ વરસાદી પવનો અચાનક નબળા બન્યા છે. આ જ ક કારણ છે કે ગુજરાતમાં ચોમાસુ બેસવામાં મોડું થઈ રહ્યું છે અને પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ નબળી બની છે. જો કે તેમ છતાંપણ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસવા અંગે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અલગ અલગ તારીખો આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 25 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે. જ્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના અનુમાન મુજબ 28-29 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી શકે છે.

ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો વરસાદ : છેલ્લા પાંચ દિવસથી રાજ્યની અંદર ચોમાસુ ધીમું પડયું છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારો વરસાદ થઇ રહ્યો છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રના અનેક ની અંદર ભારે પવન સાથે વરસાદ થયો છે. વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત વલસાડમાં પણ ભારે વરસાદ આજે દિવસ દરમિયાન થયો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. રાજકોટ જિલ્લાના પડધરી, લોધીકા, જસદણ અને કોટડા સાંગાણી પંથકમાં આજે બપોર બાદ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાથે ધુળની ડમરીઓ ઉડી હતી. જે બાદ વાદળોનો ઘેરાવો વધતા રાજકોટ પંથકમાં ભારે વરસાદ થયો છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે ખૂબ જ ભારે વરસાદ થયો છે. વલસાડ શહેરની અંદર ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત સુરતમાં પણ આજે વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા, અલંગ અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બીજી તરફ ભાવનગર શહેરમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે. દિવસ દરમિયાન ભારે બફારો અને ગરમી બાદ બપોર પછી ભાવનગર જિલ્લાના અનેક પંથકોમાં સારો એવો વરસાદ થયો છે.

આ સિવાય કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે. કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં આજે બપોર બાદ મેઘરાજા મનમુકીને વરસ્યા છે. કચ્છના રાપર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ થતા રાપર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોના પતરા ઉડયા હતા. કચ્છના ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે. કચ્છના અનેક વિસ્તારોમાં આજે વાવણીનો વરસાદ થઈ ચુક્યો છે.

લાંબા સમયની રાહ જોયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધા છે. બીજી તરફ રાજ્યના હજુ અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળ્યો નથી. અત્યાર સુધીમાં રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.