હવામાન વિભાગની આગાહીના કારણે સરકાર એક્શનમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જવા NDRF ની ટીમો રવાના

નેઋત્યના વરસાદી પવન ગુજરાતના અનેક વિસ્તારો ની અંદર પહોંચી ચૂક્યા છે. અરબ સાગર પરથી વાદળોનો એક મજબૂત ઘેરાવ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. જેને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં NDRF ની ટીમો રવાના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ અને સૌરાષ્ટ્રમાં 2 ટીમ રવાના કરવામાં આવી છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમા NDRF ની ની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રહેશે. જ્યારે રાજકોટ અને ગીરસોમનાથની અંદર NDRF ની એક-એક ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત વડોદરા હેડક્વાર્ટર ખાતે પણ અન્ય ટીમોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આણંદ અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અને કચ્છમાં વરસાદનું ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર સારો વરસાદી માહોલ બન્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 48 કલાકની અંદર ગુજરાતના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં થયો છે. આણંદમાં અત્યાર સુધીમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદ પંચમહાલના વડાલીમાં 6 ઇંચ અને દક્ષિણ ગુજરાતના સુરત માં ચાર ઈચ વરસાદ થયો છે.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ નું જોર વધુ રહેશે અને પછીના ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટતું જશે. આગાહી દરમિયાન સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે. જોકે આ વિસ્તારો સિવાય અન્ય વિસ્તાર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્યથી હળવો વરસાદ થશે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગે પર્વતોથી લઈને મેદાનોવાળા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં સતત વરસાદને કારણે ઘણા રાજ્યોના નીચલા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યુપી, બિહાર અને ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે.

બિહારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અહીંના અનેક જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ થવાની વિશેષ ચેતવણી આપી છે. અહીં 22જૂન સુધી ચેતવણી આપવામાં આવી છે. વરસાદે લોકોના જનજીવને જોખમમાં મૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નેપાળમાં ભારે વરસાદ અને પૂરથી બિહાર પણ પ્રભાવિત થઈ રહ્યું છે.

બિહારની બધી નાની-મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ, દિવ અને દાદરા નગર હવેલીમાં આગામી બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

દેશની રાજધાની દિલ્હી વરસાદની રાહ જોઈ રહી છે. જોકે અહીં હવે હવામાન સામાન્ય છે. રવિવારે પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 26 થી 30 જૂન વચ્ચે ચોમાસાનું વલણ બદલાશે અને તે મજબૂત થતાં ધીમે ધીમે ઉત્તર ભારત તરફ ચોમાસુ આગળ વધશે. આ પહેલા હવામાન વિભાગે 12 દિવસ વહેલું એટલે કે 15 જૂન સુધીમાં ચોમાસુ દિલ્હી પહોંચવાની આગાહી કરી હતી. જોકે સક્રિય રીતે 27 જૂન સુધીમાં અહીં ચોમાસું પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *