હવામાન ખાતાએ કરી મહત્વની આગાહી, ગુજરાતમાં આગામી સપ્તાહમાં વરસાદ ૫ડવાની કેટલી શક્યતા?

છેલ્લા 5 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જોકે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો છે, પરંતુ હવે આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહીંવત્ છે એવી આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે.

રાહત કમિશનર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપનો વેબિનાર યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૨મીના મંગળવારે સવારે ૬થી બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૧૨ જિલ્લાના ૨૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૩૪ એમ.એમ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધી ૮૭.૩૦ મિમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મિ.મી.ની સરખામણીએ ૧૦.૩૮% છે.

જ્યારે કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર ૨૧મી જૂન સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર થવા પામ્યું છે.

દરમિયાન સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૫૦,૬૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ % છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૯૧૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૧૪ % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ ૪ જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી, વોર્નિંગ ઉ૫ર સાત જળાશયો છે.

હાલની સ્થિતિએ NDRFની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરી છે. જ્યારે ૮-ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખી છે. ચોમાસામાં તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

કેમ મેઘરાજા છે વિરામ ઉપર : ગયા અઠવાડિયે ભારે મેઘમહેર થયા બાદ આ અઠવાડિયાની શરૂઆતથી જ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના લેવલ પર વાત કરીએ તો દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં ગયા અઠવાડિયે ધોધમાર વરસાદ થયા બાદ છેલ્લા પાંચ દિવસથી ચોમાસાએ વિરામ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે.

છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, શા માટે વરસાદ થઈ રહ્યો નથી. આ અંગે એક ખાનગી હવામાન કંપનીએ પોતાના બુલેટિનમાં અગત્યની માહિતી જણાવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર છેલ્લા કેટલાય દિવસથી વરસાદની અંતિમ લાઈન સ્થિર થઈ છે. જેના કારણે ચોમાસુ આગળ વધી રહ્યું નથી. ખાસ કરીને બંગાળની ખાડીમાં ઉભા થયેલ હળવા દબાણને કારણે ચોમાસું પવન દક્ષિણ-પશ્ચિમ રાજ્ય પર વધુ મજબૂત થયાં છે જ્યારે પૂર્વ અને ઉત્તરના રાજ્યો પર ચોમાસું પવન નબળા થયા છે. જેના કારણે જ ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લઇ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે.

બીજી તરફ સમગ્ર દેશની વાત કરીએ તો ચોમાસુ પવનમાં થયેલા ફેરફારને કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ચોમાસાની પ્રબળતા ઘટી છે. દિલ્હીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસુ બેસવામાં થોડું મોડુ થશે. દક્ષિણ પશ્ચિમી પવનો મજબૂત બનતા બિહાર અને બંગાળના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે.

જોકે બીજી તરફ સારા સમાચાર એ પણ આવ્યા છે કે, હવે ચોમાસુ ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન 26 જૂન પછીથી ચોમાસુ સક્રિય પણે મજબૂત થશે અને જે વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થયો છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ થશે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને બાદ કરતાં હાલ બે દિવસ સુધી અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *