અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ચોમાસુ બન્યું પ્રબળ, 25 જુલાઈ સુધી આ વિસ્તારોમા મેઘરાજા થશે મહેરબાન

ગઇકાલે મોડી રાત્રેથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદ અંગે અગત્યની આગાહી કરવામાં આવી છે. આજથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થઇ ગઇ હોવાથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલએ અગત્યની આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં વરસાદના જોરમાં વધારો થયો છે. 20 તારીખ પછી રાજ્યમાં સારો વરસાદનો માહોલ બનશે. 20 તારીખથી લઇને 25 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. 22 જુલાઈ પછીથી મધ્ય ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે.

22 થી 25 જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 21 જુલાઇથી 25 જુલાઇની વચ્ચે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

નક્ષત્ર અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજે 19 જુલાઈથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ છે. પુષ્પનક્ષત્ર દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે. આ પહેલા પુનર્વસુ નક્ષત્ર દરમિયાન થયેલો વરસાદ ખેતી પાક માટે ઝેરી ગણવામાં આવે છે. પરંતુ હવે પુષ્પ નક્ષત્ર દરમિયાન થનારા વરસાદથી કૃષિ પાકને ખૂબ ફાયદો થશે.

આપને જણાવી દઇએ કે પુષ્પ નક્ષત્ર 1 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે પુષ્પનક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુષ્પ નક્ષત્ર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મોડી રાત્રીથી જ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે.

હજુ પણ રાજ્યના 40 ટકા જેટલા વિસ્તારની અંદર વરસાદની અછત વર્તાઈ રહી છે. ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે. જોકે હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ મજબૂત બની રહી છે અને 20 જુલાઈ પછી રાજ્યમાં ચોમાસું પ્રબળ રીતે સક્રિય બનશે.

20 જુલાઈ પછી રાજ્યમાં ચોમાસું પ્રબળ રીતે સક્રિય બનતા સર્વત્ર મેઘ મહેર જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારની અંદર હજુ સુધી વરસાદ થયો નથી, ત્યાં પણ આગામી પાંચ દિવસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *