શિફૂજી ભારદ્વાજ નકલી ઓફિસર છે?, ગાળો બોલતો આર્મી ઓફિસર, નકલી રાષ્ટ્રવાદી અને શુદ્ધ ઠગ હોય છે!, જાણો શિફૂજી ભારદ્વાજ વિશે - Jan Avaj News

શિફૂજી ભારદ્વાજ નકલી ઓફિસર છે?, ગાળો બોલતો આર્મી ઓફિસર, નકલી રાષ્ટ્રવાદી અને શુદ્ધ ઠગ હોય છે!, જાણો શિફૂજી ભારદ્વાજ વિશે

હિટલરની રાષ્ટ્રવાદી માનસિકતાએ 1 કરોડથી વધુ લોકોની હત્યા કરી હતી, આજે નેશનલ અને એન્ટિ-નેશનલ એમ બે ભાગમાં દેશને વિભાજીત કરવામાં આવ્યો છે. સ્વઘોષિત દેશભક્તો પોતાને ભગતસિંહ સાથે જોડીને લોકોને ભ્રમિત કરે છે. ભગતસિંહના રેશનલ વિચારો સાથે સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓને દૂરદૂરનો સંબંધ હોતો નથી.

ઈશ્વર/મહિલાઓ/સમાનતાવાદી સમાજ અંગે ભગતસિંહ એકદમ સ્પષ્ટ હતા. ભગતસિંહનું નામ લેનારા તેમના ચિત્રવાળું ટીશર્ટ પહેરનારના હાથમાં રક્ષાપોટલી બાંધેલી હોય કે આંગળીમાં વીંટી ધારણ કરી હોય તો તે ભગતસિંહનો નકલી પ્રેમી હોય છે. કોઈ વારે વારે ‘જય સરદાર’ કે ‘ભારતમાતા કી જય’ બોલે તો માની લેજો કે તેનામાં ટેલેન્ટ ઓછી હશે.

કોઈ ભગતસિંહ/રાજગુરુ/ઉધમસિંહના ફોટા વાળું શર્ટ/ટીશર્ટ પહેરે તો તેનાથી ચેતજો તે ઠગ હોઈ શકે છે. આર્મી જવાનો/અધિકારીઓ/પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં હોય અને તેની સાથેના પોતાના ફોટાઓ કોઈ સોશિયલ મીડિયામાં શેર કરે અથવા આવા ફોટા પોતાની ઓફિસ કામકાજ ના સ્થળે કે ઘરમાં રાખે તો તેમનાથી ચેતજો.

કોઈ રાષ્ટ્રવાદની ઊંચા સ્વરે વાત કરે વચ્ચે વચ્ચે ગાળો બોલે તો માનજો કે તે નકલી રાષ્ટ્રવાદી છે. આર્મી અધિકારીઓના યુનિફોર્મ જોતા જ લોકોને તેમના પ્રત્યે માન થતું હોય છે; દેશભક્તિનો નશો ચડતો હોય છે, જે સ્વાભાવિક છે. પરંતુ આ સાયકોલોજીનો ઉપયોગ કોઈ ઠગ પોતાની પ્રસિદ્ધિ માટે કરે તો?

સોશિયલ મીડિયામાં શિફૂજી ભારદ્વાજ છવાયેલ હતા. તેમણે યૂટ્યુબ ઉપર વીડિયો અપલોડ કરીને ભીડની માનસિકતાનો ફાયદો ઉઠાવ્યો છે.

કોણ છે શિફૂજી ભારદ્વાજ? : તેનું મૂળ નામ શૌર્ય ભારદ્વાજ ઉર્ફે દીપક દુબે છે. તેમણે આર્મી ઓફિસર હોય તેવી છાપ ઊભી કરી છે. ભગતસિંહનું ચિત્ર તેમના કપડાં ઉપર હોય છે. આર્મી જેવાં કપડાં/ કેપ/બેઝ પણ ધારણ કરે છે. માર્કોસ/મરિન કમાન્ડો જે MARCOS Badge ધારણ કરે છે; તે બેઝ શિફૂ પોતાની છાતીએ લગાવે છે. વીંછીના આંકડા જેવી અણિયાળી મૂંછો રાખે છે. હેરકટ પણ આર્મી ટાઈપ હોય છે. બોલવાની શૈલી પણ આર્મીમેન જેવી છે. તે ફિલ્મોમાં અભિનય કરે છે. ‘ગ્રાન્ડ માસ્ટર શિફૂજી’ તરીકે તે પ્રસિદ્ધ છે.

શિફૂ ચીની શબ્દ છે, તેનો અર્થ કુશળ ટીચર/ ધર્મગુરુ થાય છે. ‘શિફૂ’ કે ‘શિફૂજી’ શબ્દ ઉપર તેમણે ટ્રેડમાર્ક મેળવેલ છે. તેનો જન્મ 1973માં થયેલો છે. તે શામાટે ચર્ચામાં છે? ઉરી આક્રમણ વેળાએ તેણે એક વીડિયો વાયરલ કરેલ તેમાં પાકિસ્તાનને ગંદીગંદી ગાળો આપી હતી. આ વીડિયો 10 લાખથી વધુ લોકોએ જોયેલ હતો. બીજા એક વીડિઓમાં તે કહે છે કે “JNUમાં આતંકવાદની તરફેણમાં નારા લગાડનાર ને જો સુપ્રિમકોર્ટ સજા નહીં કરે તો હું તેમને ઢસડી-ઢસડીને મારીશ.

” આ વીડિયો અતિ-રાષ્ટ્રવાદી માનસિકતા વાળા લોકોને ખૂબ ગમ્યો હતો. જાણે પૂરા દેશ વતી બોલતો હોય તેવી તેમની શૈલી છે; પરંતુ તેમની વાતો લોકશાહી વિરુધ્ધની/ હિંસક/અપરાધિક છે. તેમણે પોતાની સોશિયલ વેબસાઈટ પર પોતાને ‘વિશ્વનો નંબર વન-વર્લ્ડ બેસ્ટ કમાન્ડો ટ્રેનર’ તરીકે રજૂ કરેલ.

વિશ્વનો સૌથી મોંઘો ટ્રેનર છે, 30 મિનિટની ટ્રેનિંગનો ચાર્જ 43 લાખ + GST, ભારતની સેના/આર્મ ફોર્સ/પોલીસને દુશ્મનો સામે લડવાની ટ્રેનિંગ આપે છે. 6 દેશોની પોલીસના કમાન્ડોને ટ્રેનિંગ આપે છે. પોતે મધ્યપ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેન્ડર છે તેવો દાવો કરેલ. કમાન્ડો અને સૈનિક શબ્દ ભારતીયોને આકર્ષિત કરે છે, તેથી તેની લોકપ્રિયતા ટોચે પહોંચી હતી.

એક તરફ 1999થી ‘મિશન પ્રહાર’ હેઠળ તે મહિલાઓને આત્મરક્ષાની ટ્રેનિંગ આપે છે તો બીજી તરફ તે પોતાના વીડિયોમાં મા-બહેન વિશે થોકબંધ ગાળો બોલે છે. બે રાજ્યોમાં આર્મી સ્કૂલ ખોલવાની ઈચ્છા રાખે છે. તે પોતાને ‘ફકીર’ કહે છે. તેને સૈનિકો સાથેના ફોટાઓ ગમે છે; આત્મમુગ્ધ છે. સત્ય એ હતું કે ન તો તે આર્મી ઓફિસર છે કે ન તો ‘વર્લ્ડ બેસ્ટ કમાન્ડો ટ્રેનર.

તે બિલકુલ નકલી રાષ્ટ્રવાદી છે અને શુદ્ધ ઠગ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિફૂની છાતીએ ભગતસિંનું ચિત્ર છે અને તેની આંગળીમાં વીંટી છે; મતલબ શિફૂ ભગતસિંહની શહીદીનો પોતાના પ્રચાર માટે દુરપયોગ કરે છે.

શિફૂજીની કલઈ અમદાવાદના અભિષેક શુક્લએ 2017માં ઉતારી હતી, અને આર્મીનો ગણવેશ/બેઝ ધારણ કરવા સામે અવાજ ઊઠાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધવી હતી. તેમણે RTI હેઠળ માહિતી માંગતા રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી કે “શિફૂ ક્યારેય મરિન કમાન્ડો ન હતો કે ન તેણે ઈન્ડિયન નેવીના કમાન્ડોને ક્યારેય ટ્રેનિગ આપી છે. ”શિફૂ એક ઉદાહરણ છે કે આપણે આસાનીથી ભીડનો હિસ્સો બનીને, શિફૂની આલોચના કરનારને દેશદ્રોહી/પાકિસ્તાની/ગદ્દાર ઠરાવી દઈએ છીએ.

યુદ્ધ-ઉન્માદી ભાષા આપણને જલદી ઉશ્કેરી મૂકે છે. શિફૂ ફિટનેસ બાબતમાં સારો હોઈ શકે, તે ટાઈગર શ્રોફ/શ્રદ્ધા કપૂરને કોઈ સ્ટંટ શિખવી શકે; પરંતુ આર્મીનો પ્રવક્તા કે તેના નિયુક્ત અધિકારી માફક વર્તન કરે, તો તે ગુનો બને છે. સેના/ભૂતપૂર્વ સૈનિક/સોલ્જર/દેશભક્ત વગેરે શબ્દોથી ધંધો કરનારા શિફૂ જેવા અનેક છે. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સૈનિક સંધના પ્રમુખ મેજર આશિષ ચતુર્વેદીએ 2016માં ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં શિફૂ સામે FIR નોંધવી હતી.

શિફૂએ દાવો કર્યો હતો કે પોતાએ 29 વર્ષ સુધી આર્મીમાં સેવા આપી હતી. સવાલ એ છે કે જો તેમનો જન્મ 1973માં થયેલો હોય તો શું 15 વર્ષની વયે તે આર્મીમાં ભરતી થયેલ હશે? આ બહુરુપિયો ‘મિશન ભગતસિંહ’/ ‘મિશન તેરી મિટ્ટી’ / ‘મિશન સૈન્ય’/ ‘મિશન અનિવાર્ય આપદા પ્રબંધન પ્રશિક્ષણ’/ ‘મિશન ભારત વિશ્વગુરુ’/ ‘મિશન પ્રચંડ ભારતી’ / ‘મિશન દેશભક્ત’/ ‘મિશન ક્રાંતિકારી ગૌરવ’ વગેરે ચલાવે છે. રાષ્ટ્રવાદનો નશો જ એવો છે કે શિફૂજી જેવા અનેક સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ સહેલાઈથી લોકોને ભ્રમિત કરી શકે છે. આખરે સત્તાપક્ષને હિમાલય જેટલા મતો મળી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી તે જેલમાં કેમ પૂરાયો નથી?.

પોસ્ટ : દર્શિત કોરાટ ની ફેસબુક વોલ પરથી લેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Leave a Reply

Your email address will not be published.