સુરત માં એક પછી એક બનાવ સુરતમાં હત્યા ના 14 બનાવ સુરતની બગડતી સ્થિતિ માટે જવાબદાર કોણ ક્યારે અટકશે આવા બનાવ - Jan Avaj News

સુરત માં એક પછી એક બનાવ સુરતમાં હત્યા ના 14 બનાવ સુરતની બગડતી સ્થિતિ માટે જવાબદાર કોણ ક્યારે અટકશે આવા બનાવ

ઘટના નંબર 1 : સુરત પાસોદરા પાટીયા ઓપેરા પામની રહેવાસી મહિલા ધારા રોહિતભાઇ રાદડીયાને જયદીપ સરવૈયા નામના વ્યક્તિએ આપેલ માનસિક ત્રાસ પછી દીકરીએ અગ્નિસ્નાન કરી લીધું.

સુરતના કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસિન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં 8 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન પર વાત કરવા દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાની ઓડિયો-ક્લિપ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે કહ્યું હતું કે અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ.

મૃતકના લગ્નને અઢી વર્ષ જ થયા હતા : હાર્દિક નાકરાણી (મૃતક ધારાનો ભાઈ)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનું પરિવાર કામ પર હતું. પાડોશીઓએ માહિતી આપી કે તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતા ધારા કેરોસિન છાંટી સળગી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.

મોત પહેલાં તમામ હકીકત જણાવી : રોહિત મનસુખભાઇ રાદડિયા (પીડિત પતિ)એ કહ્યું હતું કે પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો-ક્લિપ સાંભળી છે. બસ, તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

દોઢ વર્ષથી જયદીપ ફોન કરી હેરાન કરતો હતો : ધારા રાદડિયાનાં લગ્નને અઢી વર્ષ થયા હતાં. ધારાએ મોત પહેલા સારવાર દરમિયાન જયદીપનાં ત્રાસ અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી ગામનો જ જયદીપ સરવૈયા(કેશવાડા, તા ગોંડલ, રાજકોટ) ફોન પર વાત કરવા દબાણ કરી ગાળો આપતો હતો. વાત ન કરે તો ‘તારા મમ્મી પપ્પાને મારી નાંખીશ અને તને પણ મારી નાંખીશ’ની ધમકી આપતો. આરોપી વીડિયો કોલ પણ કરતો હતો. પોલીસ તપાસમાં ખબર પડી છે કે ધારા જયદીપનો ફોન વારંવાર કટ કરતી હતી છતાં જયદીપ તેને મિસ્ડ કોલ મારીને હેરાન કરતો હતો. હેરાનગતીની આ વાત ધારા પરિવારજનોને પણ જણાવી શકતી નહોતી.

હેરાનગતિની ઓડિયો ક્લિપ મળી : દોઢ વર્ષથી જયદીપ સરવૈયા ધારાને ફોનથી હેરાન કરતો હોવાની ક્લિપ તેણીના પતિને પત્નિનાં મોબાઇલમાંથી મળી હતી. જયદીપની વાત સાંભળી હોવાની વિગત બહાર આવી છે. ‘તું બસ મારી સાથે વાત કર, તું મને ફોન કર કહી ગાળ આપતો હતો. અને તને જીવવા નહીં દઉં તેવી ધમકી આપતો હતો.’

ઘટના નંબર 2 : સુરતના કામરેજ વિસ્તારમા ૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ પછી બાળકીનું મોત.

ચાલુ મહિને સુરતમાં હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરિયાને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા બાદ પણ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો. એટલું જ નહીં, એક જ દિવસમાં હત્યાની 3-3 ઘટનાઓ પણ સામે આવી. ત્યારે હવે વધુ એક હચમચાવી દે તેવી ઘટના બની છે. જેમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે 11 વર્ષની માસૂમ બાળકીને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી અને ગભીર હાલત કરીને રૂમને બહારથી તાળું મારીને ભાગી ગયો હતો. દરમિયાન પરિવારે બાળકીને શોધીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર જોળવામાં ભાડેથી રહેતા એક પરિવારની બે દીકરીઓ માતા-પિતા નોકરીએ ગયા હોવાથી રવિવારે ઘરે એકલી હતી. જો કે, સાંજે 7 વર્ષની બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. તે સમયે 12 વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે અજાણ્યો શખ્સ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેને બાળખીને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ગંભીર હાલમતાં છોડીને રૂમને તાળું મારીને ભાગી ગયો હતો.

પરિવારે ઘરે આવ્યા બાદ બાળકીને ક્યાંય ભાળ ના મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રૂમની બહાર તાળું જોઈ તેને તોડીને જોયું તો માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું. બનાવની જાણ થતાં સુરત જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને શકમંદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. તેમજ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે નજીકમાં જ રહેતા કોઈ શખ્સની સંડોવણીની શંકાએ પોલીસે હાલ તે દિશામાં તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પરિવારના નિવેદન બાદ પોલીસ દ્વારા બે શકમંદની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કર્યાની ઘટના બાદ હવે વધુ એક હચમચાવતી ઘટના સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ઘટના નંબર 3 : સચિન વિસ્તારમાં 11 વર્ષના કિશોર ની હત્યા 

સચિન વિસ્તારમાં 11 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી. માત્ર નાના ઝઘડામાં આ કિશોરની હત્યા કરી દેવામાં આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં એક 11 વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ.

ઘટના નંબર 4 : પાંડેસરામાં દારૂના અડ્ડા પર ઝઘડા બાદ યુવકની હત્યા.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે કાબુમાં નથી રહી. સુરતમાં હત્યા સહિતના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ શહેરમાં પોસ્ટર લાગ્યાં છે. બીજી તરફ સુરતમા છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ બનાવો નોંધાયાં છે. શહેરમાં ગુનેગારોને પોલીસ અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.ભેસ્તાનમાં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી જમીન પર પાડી દીધા બાદ ભાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. આ દરમિયાન બેભાન અવસ્થામાં સિવિલ લવાયેલા યુવકને મૃત જાહેર કરાતા તેના પરિવારમાં આઘાતમાં સરી પડ્યો હતો.

દારૂના અડ્ડા પર કેટલાક ઈસમોએ બાઈટિંગ માગ્યુ : મૃતક વસીમ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને પત્ની સાત માસનો ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. તેના મિત્રો એ કહ્યું હતું કે લીંબાયતથી કેટલાક ઘોડા લઈ અમે પાંડેસરા આશાપુરી ગોવાલક નગર આવ્યા હતા. ત્યારબાદ વસીમ રાજભાઈ સોલાપુરી સાથે ભેસ્તાનના એક અડ્ડા પર ખાવા-પીવા ગયા હતા. જ્યાં કેટલાક ઈસમો આવીને બાઇટિંગ માગતા હતા. વસિમે એક વાર બાઇટિંગ આપ્યા બાદ બીજીવાર આવતા પૈસા આપી દુકાનમાંથી લઈ લેવા કહ્યું હતું.

મૃતકની પત્નીને 7 માસનો ગર્ભ છે : મિત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બસ આજ વાત ઉપર 6 પૈકી બે અજાણ્યા ઈસમો બાખડી પડ્યા હતાં અને હાથાપાઈ પર ઉતરી પડ્યા હતા. વસીમને ગળું દબાવી જમીન પર પાડી દેતા બેભાન થઈ ગયો હતો. આ જોઈ હુમલાખોર ભાગી ગયા હતાં. રીક્ષામાં વસીમને તાત્કાલિક ઘરે લઈ ગયા હતા. ઘરેથી તેને પરિવાર સાથે સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ મૃત જાહેર કરતા તેનો પરિવારને આઘાત લાગ્યો હતો.વસીમના લગ્નને 5 વર્ષ જ થયા છે. તેની પત્નીને 7 માસનો ગર્ભ છે. પતિના મોતના સમાચાર સાંભળી પત્નીનું હૈયાફાટ રુદન જોઈ પરિવાર ભાંગી પડ્યો છે. વિધવા મા,ચાર બહેનો અને નાના ભાઈનું વસીમ જ ભરણપોષણ કરતો હતો.

ઘટના નંબર 5 : ઉધના જે.પી.મીલ પાસેથી અજાણી મહિલાની હત્યા. 

ઉધનામાં મહિલાની હત્યા : ઉધના જે.પી.મીલ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જે.પી.મીલ પાસે આવેલા ખંડેરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉધના પોલીસ મથકના સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ઘટના નંબર 6 : વરાછા મિની બજારમાં હીરા દલાલ આપા ધાંધલની હત્યા.

શહેરના વરાછા મીની બજારમાં ટેબલ મુકવા બાબતે ઝઘડો તથા વૃદ્ધ હીરા દલાલને અન્ય હીરા દલાલે લાકડાનાં ફટકા વડે ત્યાર બાદ લોખંડની ખુરશી વડે માથાનાં ભાગે બે ત્રણ વાર માર મારતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

રણજનાર આપાભાઈ બહાદુર ધાંધલ મીની બજાર ખાતે હીરા દલાલ તરીકે કામ કરતા હતા. તેઓની બાજુમાં જ આરોપી અનુપસિંહ ઉર્ફે અનુભા ભરતસિંહ જાડેજા પણ ખુરશી નાંખીને બેસી છુટક દલાલીનું કામ કરતાં હતા. જેથી હીરાની દલાલી બાબતે અનુપસીંહ તથા મરણજનાર આપાભાઈ ધાંધલ વચ્ચે અવારનવાર માથાકુટ અને ઝગડો થતો હતો. દરમિયાન ગતરોજ પણ બોલાચાલી થયેલ હોય જે મનદુઃખ અને ધંધાની હરીફાઈના કારણે અનુપસીંહ જાડેજાએ આપાભાઈ ધાંધલને લાકડાનાં ફટકા વડે ત્યાર બાદ લોખંડની ખુરશી વડે માથાનાં ભાગે બે-ત્રણ વાર મારતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એક હત્યાનો શાહી સુકાઈ નથી ત્યાં બીજી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને સુરતમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા ગૃહ રાજ્યપ્રધાનનું હોમ ટાઉન સુરત હોય તેઓના રાજીનામાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ વિપક્ષ પણ આ મામલે વિરોધ નોંધાવી રહ્યો છે.

ઘટના નંબર 7 : દેર જીલાની બ્રિજ પર જુનેદ પઠાણની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.

રાંદેર ચંદ્રશેખર આઝાદની બ્રિજ પર રવિવારે સાંજે જુનેદ પઠાણની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં રાંદેર પોલીસે વધુ બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી છે. જુનેદ પત્ની અને 3 દીકરીઓને બાઇક પર લઈ ઘરે જઇ રહ્યો હતો તે વખતે હુમલાખોરોએ કારથી બાઇકને ટક્કર મારી નીચે પાડી જુનેદને 17થી વધુ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

હત્યા પાછળનું કારણ મૃતક જુનેદ પઠાણના સાળાઓનો હત્યારાઓ સાથે એક મહિના પહેલા પાર્કિંગ બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જુનેદ પઠાણના સાળા સહિત 5 આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જુનેદ પઠાણ સાળાઓને જેલમાંથી છોડાવવા મદદ કરતો હતો. આથી જુનેદનો કાંટો કાઢી નાખવા હત્યા કરવામાં આવી હતી.

રાંદેર પોલીસે હત્યારા અઝહરુદ્દીન ઉર્ફે અઝહર આબેદીન સૈયદ(31) અને તેનો રિક્ષાચાલક ભાઈ નિઝામુદ્દીન ઉર્ફે લાલા આબેદીન સૈયદ(38) (બંને રહે,પાલીયાવાડ,રાંદેર)ની ધરપકડ કરી છે. અગાઉ તેના ભાઈ ઈરફાન આબેદીન સૈયદની ધરપકડ કરી હતી. હજુ બે હત્યારાઓ નાસતા ફરે છે. પોલીસે કાર પણ કબજે કરી છે. કાર અઝહરુદ્દીને ખરીદી કરી હોવાનું રટણ કરી રહ્યો છે, ખરેખર કારની તપાસ કરાય તો ઘણી હકીકતો પોલીસને મળી શકે છે.

ઘટના નંબર 8 : સુરતમાં પાસોદરા ગામમાં ફેનિલ નામના યુવક દ્વારા ગ્રીષ્મા વેકરીયાનું ચપ્પુથી ગળુ કાપીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી

રાજ્યમાં મહિલા કે પછી યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કાર થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં આવેલા પાસોદરા ગામમાં એક યુવતીની હત્યાની એક તરફી પ્રેમમાં પાગલ દ્વારા પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી હતી. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના કામરેજમાં આવતા પાસોદરા ગામ નજીક એક સોસય્તાતીમાં રહેતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો પીછો ફેનિલ નામનો એક યુવક કરતો હતો. ફેનિલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવતી રચના સોસાયટીમાં રહેતો હતો. ફેનિલ ગ્રીષ્માના પ્રેમમાં પાગલ હતો. ફેનિલ ગ્રીષ્માનો અવાર નવાર પીછો કરતો હોવાના કારણે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. તેથી ગ્રીષ્માના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે ફેનિલને ઠપકો આપ્યો હતો.

આ ઠપકાનું ફેનિલને લાગી આવ્યું હતું. તેથી શનિવારે સાંજના સમયે ફેનિલ એક ચપ્પુ લઇને ગ્રીષ્માના ઘર નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ તેને ગ્રીષ્માની સોસાયટીમાં જઈને ગ્રીષ્માને બંધક બનાવી લીધી હતી અને ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ત્યારબાદ તેને રોષે ભરાઈને ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં ગ્રીષ્માને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાનું કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનીલે પણ પોતાના હાથની નશ કાપી નાંખી હતી અને ઝેરી દવા પીધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ગ્રીષ્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યારા ફેનિલે પણ પોતાના હાથની નશ કાપી લીધી હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારા ફેનિલની તબિયત ગંભીર છે અને તેની સારવાર લઇ રહી છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયા મૃતક યુવતીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

ઘટના નંબર 9 : કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી.

સુરતમાં દિવસે ને દિવસે પતિ દ્વારા પત્નીની હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે ફરી એકવાર શંકાશીલ પતિએ તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી શમા સોસાયટીમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી દઈને હત્યા કરી હતી. નિર્દયતાની હદ વટાવી ચૂકેલા પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહ પાસે જ સૂઈ જઈને રાત વિતાવી હતી. હિચકારી હત્યા કરનારા પતિને કાપોદ્રા પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વતન જવા બાબતે ઝઘડો થયેલો-પરિવાર : પરિવારે જણાવ્યું હતું કે, દયાબેન વિઠ્ઠલભાઇ ખીમણિયાના 20 વર્ષ પહેલા લગ્નન થયા હતા. બે બાળકો પૈકી એક હીરાના કારખાનામાં કામ કરે છે. પતિ હીરાના ખાતામાં મેનેજર તરીકે કામ કરે છે. વતન જૂનાગઢના વિસાવદરમાં વિઠ્ઠલભાઈના ભત્રીજાના લગ્ન પ્રસંગ બાબતે બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. દયાબેન વતન ન જવા માગતા હોય એને લઈ ઉગ્ર બોલાચાલી મારા મારી બાદ હત્યા સુધી પહોંચી હતી. વિઠ્ઠલભાઇએ દયાબેનને પેટમાં કોણી માર્યા બાદ ગળે ટુપો આપી ગુસ્સામાં પતાવી દીધી હતી.

પ્રેમી સાથે નાસી ગયા હતા : 3-4 મહિના પહેલા દયાબેન પરિવારને છોડી પ્રેમી સાથે ભાગી ગયા હતા. જોકે સમાજના આબરૂ ન જાય એ માટે વિઠ્ઠલભાઇ સમજાવીને પતાવટ કરી પત્નીને તેડી લાવ્યા હતા.ત્યારબાદ વતન જવાની ના પાડતા ઝગડો ઉગ્ર બન્યો હતો. હાલ પોલીસે વિઠલભાઈની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી : પોલીસે જણાવ્યું હતું કે, શમા સોસાયટીના 212 નંબરના મકાનમાં હત્યાનો બનાવ બન્યો છે. મૃતક બહેનનું નામ દયાબેન અને હત્યારા પતિનું નામ વિઠ્ઠલભાઇ કોરી હોવાનું હાલ સામે આવ્યું છે. તપાસ ચાલી રહી છે. સમગ્ર હત્યાની ઘટનામાં પ્રાથમિક તબક્કે શંકા હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટના નંબર 10 : પાંડેસરા વડોદ રહેતી વિધવાની બાબતે સોમનાથ ગુપ્તાએ સાલુ વર્ષાની હત્યા કરી હતી.

ડાયમંડ સિટી સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપડો આપનાર યુવકને તેના જ મિત્રો સામે મોતને ધાટ ઉતારી દેવાયો. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકે હત્યારાને તમાચો માર્યો હતો જેનો બદલો લેવા આરોપીએ જોઈ લેવાની ધમકી આપી હતી. બાદમાં રાતે ઓટલા પર બેસેલા યુવકને તેના જ મિત્રો સામે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહેંસી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાજેતરમાં હત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે.

સમગ્ર મામલે મૃતક યુવકના પરિવારનું કહેવું છે કે, સાલું વર્મા (22) મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. માતા-પિતા અને 2 ભાઈ વતનમાં રહે છે. સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો અને સુરતના પાંડેસરા જગન્નાથ નગરમાં એકલો જ રહેતો હતો. સાલુની હત્યાના સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગતો અનુસાર ગુરુવારની બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાન માલિકની પત્નીની છેડતી કરી હતી. જેને લઈ સાલુએ ઠપકો આપી તમાચો માર્યો હતો.

ત્યારે સોમનાથે ધમકી આપી હતી કે રાત્રે તું રહેશે કે હું. ત્યારબાદ રાતે ભોજન કરી ઓટલા પર બેસેલા સાલુ ઉપર જીવલેણ હુમલો કરીને હત્યારો ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા શોધખોળ હાત ધરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પોલીસે આરોપીની ઝડપી લીધો છે.

ઘટના નંબર 11 : રાંદેર ગાયત્રી સર્કલ પાસે સિક્યુરીટી ગાર્ડ રવિ ઉર્ફે બંટીની હત્યા કરી હતી.

સુરતમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ચાર યુવાને હત્યા (Murder case in Surat) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર પાટિયાથી જકાતનાકા ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો રવિ ઉર્ફે બંટી સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ અગાઉ રાત્રે 9 વાગ્યે નોકરી પરથી આવ્યા બાદ માતા લતાબેન પાસેથી 50 રૂપિયા લઈ ઘરેથી નીકળ્યો હતો. ઘર નજીક ગાયત્રી સર્કલની સામે ખોડિયાર કોમ્પ્લેક્ષ પાસે બંટીનો પરિચિત યુવક સંજય ઉર્ફે સંજુ જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. થોડીવાર બાદ સંજય અને બંટી વચ્ચે ગાળા ગાળી થવા લાગી હતી.

જો કે થોડીવાર બાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગાયત્રી સર્કલ પાસે બંટી તેના મિત્ર જયેશ વિઠ્ઠલ નથવાણી સાથે ઉભા હતો. ત્યારે સંજય તેના ચાર મિત્રો સાથે બાઇક પર ઘસી આવી બંટીને માર મારતા લાગ્યા. જયેશે બચાવવાનો પ્રયાસ કર્યો તો ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા. જ્યારે બંટીને જમણા પગના ઘુંટણના ભાગે રેમ્બો છરાનો ઘા ઝીંકી દેતા આરપાર નીકળી ગયો હતો.

આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બંટીને સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઇ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ પડતું રક્તસ્ત્રાવને કારણે તેને મૃત જાહેર થયો હતો. આ ઘટનામાં રાંદેર પોલીસે (Surat Rander Police) ગણતરીના કલાકોમાં ચારેય હત્યારા સંજય ઉર્ફે સંજુ સહદેવ જગતાપ, અર્જુન લલન ચૌધરી, અજય ઉર્ફે અજ્યો રઘુ ભરવાડ, કવન ઉર્ફે ક્રિષ્ના નાથુભાઈ ખલાસીની ધરપકડ કરી છે.

ત્યાની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. હત્યારાઓ નિર્દય રીતે યુવકને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા લતાબેનને સંતાનમાં બે પુત્ર બંટી અને રાહુલ છે. બંટી સિક્યુરીટી ગાર્ડ (Murder of a Security Guard in Surat) તરીકે નોકરી કરી માતાને આર્થિક મદદરૂપ થતો હતો.

ઘટના નંબર 12 : લાલગેટના ભાવેશ સોંલકીના ગળેટૂંપો આપી પત્નીએ જ હત્યા કરી હતી

સુરતના અડાજણ વિસ્તારમાં શંકાશીલ ટેક્સટાઇલ ડિઝાઇનરે ઘરકંકાસમાં પત્નીને ટૂંપો દઇ હત્યા કરી નાખી છે. સંબંધીઓને ફોન કરી પત્નીએ આત્મહત્યા (Suicide)કર્યા હોવાની જાણકારી આપી હતી. જોકે પત્નીના પરિવારે શંકા ઊભી કરતા પીએમ રિપોર્ટમાં (PM report)ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી છે. જેના આધારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ ડિઝાઈનર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં 51 વર્ષીય રજનીકાંત છીતુભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની રાજેશ્રીબેન અને 17 વર્ષીય દીકરો છે રજનીકાંત છેલ્લા લાંબા સમયથી નાની-નાની બાબતે પત્ની રાજેશ્રીબેન સાથે ઝઘડો કરતા હતા. ભાઈબીજના દિવસે આવેશમાં આવેલા પતિ રજનીકાંતે રાજેશ્રીબેન સાથે ઝગડો કરીને આખા શરીરે મુઢ માર માર્યો હતો. ત્યાર બાદ રજનીકાંતે રાજેશ્રીબેનને કોટનની દોરીથી ફાંસો આપીને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ રજનીકાંતે તમામ સંબંધીઓને ફોન કરીને જાણ કરી કે રાજેશ્રીબેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે જલદીથી આવો. સંબંધીઓ આવે તે પહેલાં આરોપી રજનીકાંતે લોહી વગેરે સાફ કરીને પુરાવાનો નાશ કરી નાખ્યો હતો. જોકે મરનાર રાજેશ્રીબેનના બહેન પ્રતિમાબેન આર્મીમાં ફરજ બજાવે છે. તેઓએ આ બાબતે શંકા ઊભી કરી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પીએમ દરમિયાન આ શંકા જાહેર કરતાં પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને રાજેશ્રીબેનની ગળેફાંસો ખાઈ આપઘાતની જગ્યા પર ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિ રજનીકાંતની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે રાજેશ્રીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો હતો.

ઘટના નંબર 13 : અડાજણમાં ગૃહમંત્રીના કૌટુબિંક કાકાની હત્યા કરી

સુરતના રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે..

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુબિંક કાકાની નજીવી બાબતે હત્યા કરવામાં આવતાં ચકચાર મચી છે. રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝગડાનું ગંભીર પરિણામ આવ્યું છે. બનાવની વિગતો પર નજર નાંખવામાં આવે તો મહેશ સંઘવી ડાયમંડના વેપાર સાથે સંકળાયેલાં હતાં અને હાલ તેઓ પરિવાર સાથે નિવૃત જીવન જીવી રહયાં છે. શનિવારે તેઓ સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ લીફટમાં પરત ઘરે આવી રહયાં હતાં. તે દરમિયાન બોની કમલેશ મહેતા સાથે લીફટમાં અવરજવર કરવા બાબતે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલાં બોનીએ વૃધ્ધ મહેશભાઇને નાકના ભાગે મુકકા માર્યા હતાં. મહેશ ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના નંબર 14 : પર્વતગામ પાસે ટપોરીઓએ વૃદ્ધને ચપ્પુના ઘા મારી હત્યા કરી

પર્વતગામ પાસે ટપોરીઓએ વૃદ્ધને ચપ્પુના ઘા મારી હત્યા કરી.સુરતમાં નજીવી બાબતે હત્યાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે આખી ઘટના એમ હતી કે સુરતના પર્વતગામ પાસે યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને ૨૦થી વધુ ઘા મારી પતાવી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા મોત સામે લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીકરીની નજર સામે જ પિતાનીને પશુની જેમ કાપતા જાેઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી.કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા.

પિતાની ર્નિમમ હત્યાને લઈ પરિવાજનોમાં દુઃખનો શોક છવાઈ ગયો હતો યુવતીની છેડતીમાં પિતાની કરપીણ હત્યા આ મામલે પોલીસનું કહેવું છે. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો.

ત્રણેય ને લાફા મારી પિતા-પુત્ર ને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.દીકરીની નજરે સામે પિતાની કરપીણ હત્યા ૨૦થી વધુ ધા મારી ને કરાઈ હત્યાનજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને ૨૦ થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા.

હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં.

જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર ૩-૪ જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અસાજીકતત્વો જાણે સુરત પોલીસનો ડર નથી રહ્યો ???મહત્વની વાત એ છે કે સુરતમાં નિર્દોષ લોકોની જ હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્યા છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું એની જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.