સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસથી પાસ આવ્યું એક્શન માં, કહ્યું-‘પોલીસ તાત્કાલિક ડ્રગ્સ તેમજ કપલ બોક્સના દૂષણને દૂર કરે’
સુરત નજીક પાસોદરામાં યુવતીની થયેલી કરપીણ હત્યા બાદ હવે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા તેમજ પાસની ટીમના સભ્યો મૃતકના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. અલ્પેશ કથેરિયાએ કહ્યું કે, અમારા વિસ્તારની અંદર એટલે કે, વરાછા યોગીચોક, સરથાણા, કતારગામ, પુણા ગામ વિસ્તારમાં ડ્રગ્સ અને તેના જેવા માદક પદાર્થોનું સેવન યુવાનો વધુ પ્રમાણમાં કરતા હોય તેવું જણાઈ રહ્યું છે.
ફેનિલ પણ આ પ્રકારના વ્યસનનો બંધાણી હોય તેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. ફેનિલએ કરેલા કૃત્યને કારણે સ્વભાવિક રીતે જ માતા-પિતાને પોતાના સંતાનની ચિંતા થાય. અમારા વિસ્તારમાં આ પ્રકારનું દૂષણ વધુ ન ફેલાય તેના માટે અને આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો કરવાના છીએ. પોલીસને પણ અલ્ટીમેટમ આપીએ છીએ કે, તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરનારા સામે પગલાં લે.
આવતીકાલે અંતિમક્રિયા થશે : આવતીકાલે મૃતક યુવતીની અંતિમ વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મૃતક યુવતીના પિતા સાઉથ આફ્રિકામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને જાણ કર્યા બાદ આજે તેઓ સુરત આવી રહ્યા છે.આવતીકાલે તેમની હાજરીમાં જ ક્રિયા કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અમે એ જાહેર કોલ આપવાના છે જેથી કરીને લોકો તેમાં જોડાઈ શકે. અંતિમક્રિયામાં લગભગ દરેક સોસાયટીમાથી એક વ્યક્તિ આવે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.
પોલીસને અલ્ટીમેટમ : અમારા વિસ્તારની અંદર જે પ્રકારે ડ્રગ્સ સહિત પાવડર તેમજ અન્ય માદક પદાર્થોનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોવાના કારણે અમે આ બાબતે તાજેતરમાં જ પોલીસ કમિશનરને પણ એક આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ હવે અમે આગામી દિવસોમાં સુરત પોલીસને સાત દિવસ માટેનું અલ્ટીમેટમ આપવાના છીએ. અમારા વિસ્તારના યુવાનો આ લતે જાય અને પોતાની યુવાની વેડફી નાખે તે પહેલાં જ સામાજિક સ્તર ઉપર પણ અમે આ કામ કરવાના છે.
કપલ બોક્સ બંધ થવા જોઈએ : બીજી મહત્વની બાબત એ છે કે, અમારા વિસ્તારમાં કપલ બોક્સ ચાલી રહ્યા છે. કપલ બોક્સની અંદર અમારા કોલેજીયન યુવાનો લગભગ 90% જતા હોય છે. આ અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે. કપલ બોક્સમાં નશાથી લઈને શરીર સુખ માણી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. અને તેના માટે મસમોટા ચાર્જીસ પણ વસૂલી લેવાતા હોય છે.પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ.
શું હતી સમગ્ર ઘટના : કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું.
છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.
ખુલાસો: 7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું : સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.
અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે. રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા. જ્યાં તેમણે પરિવાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. આ ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. આ ચોંકાવનારી ઘટનાના ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.
આરોપી યુવકના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો: આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
હર્ષ સંઘવીનું મહત્ત્વપૂર્ણ નિવેદન : હર્ષ સંઘવીએ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રેન્જ IG રાજકુમાર પાંડિયન પણ હર્ષ સંઘવી સાથે જોડાયા હતા. અને દીકરીને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે. ભોગ બનાનર પરિવાર સાથે મુલાકાત બાદ સંઘવીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, FSLનો રિપોર્ટ 24 કલાકમાં આપવા કહ્યું છે. તમામ પુરાવાના ગણતરીના કલાકમાં ભેગા કરાયા છે. રેન્જ IGની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં ચાર્જશીટ માટે આદેશ અપાયો છે. દીકરીને ઝડપથી ન્યાય મળે તે રીતે કામગીરીનો આદેશ અપાયો છે. દાખલારૂપ ઘટના બને તે રીતે કામગીરી કરાશે. પોલીસ અને સરકાર સંકલન કરી કોર્ટમાં કેસ લડશે. પરિવાર જે પણ વકીલ કહેશે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. પોલીસને રાત-દિવસ એક કરીને કામ કરવા કહેવાયું છે. પોલીસને મજબૂતાઈથી ચાર્જશીટ કરવાનો આદેશ અપાયો છે. આરોપીને કડક સજા મળે તે રીતે પોલીસ મહેનત કરશે.
નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!