‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મને સત્તાપક્ષનું જબરજસ્ત સમર્થન કેમ છે? - Jan Avaj News

‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મને સત્તાપક્ષનું જબરજસ્ત સમર્થન કેમ છે?

જ્યાં આપણો જન્મ થયો હોય જ્યાં આપણું બાળપણ વીત્યું હોય જે શેરીઓમાં આપણી જુવાની ખીલી હોય એ જમીન, એ આંગણું, એ શેરીઓને હંમેશા માટે છોડવી પડે અને પોતાના દેશમાં નિર્વાસિત બની જીવવું પડે તો કેવું લાગે? કાશ્મીરી પંડિતો, આતંકવાદીઓના ત્રાસ ક્રૂરતા બળાત્કારનો ભોગ બન્યા તે વિષય લઈને ફિલ્મ બની છે-‘કાશ્મીર ફાઈલ.’ માણસનું માણસપણું પ્રગટાવે તેવી ફિલ્મ જરુરી છે; આપણે હંમેશા હિજરતીઓની તરફે જ ઊભું રહેવું જોઈએ; પરંતુ કોઈ પોલિટિકલ એજેન્ડાના હેતુથી ધૃણા નફરત ફેલાવવા માટે ફિલ્મ-માધ્યમનો દુરુપયોગ થાય, તો તે ભયંકર બાબત છે. જ્યારે ગોદી મીડિયા અને સત્તાપક્ષનું IT Cell હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવી રહ્યું હોય ત્યારે આ પ્રકારની ફિલ્મ આગમાં પેટ્રોલનું કામ કરે છે.

સવાલ એ છે કે ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ પોલિટિકલ એજેન્ડા વાળી છે, તેમ ક્યા આધારે કહી શકાય?

[1] ગોદી મીડિયા અને સત્તાપક્ષનું IT Cell આ ફિલ્મનો જોરદાર પ્રચાર કરી રહ્યું છે.

[2] RSS/સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ આ ફિલ્મનો પ્રચાર કરે છે. 12 માર્ચ 2022ના રોજ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ટ્વિટ કરીને કહે છે-“એક વખત કાશ્મીર ફાઈલ જૂઓ. પછી આપના વેપાર/શિક્ષણ/નોકરી/વિકાસ/બેરોજગારી/મોંઘવારી/જાતિવાદ અને અપંગ ધર્મનિરપેક્ષતાના સઘળા ભૂત માત્ર બે કલાક પચાસ મિનિટમાં ઉતરી જશે !”

[3] પંડિતો પરના અત્યાચાર હોય કે દલિતો/આદિવાસીઓ/લધુમતીઓ ઉપરના અત્યાચાર હોય; હંમેશા નિંદાપાત્ર જ હોય. પરંતુ દલિત/આદિવાસી/લધુમતી ઉપરના અત્યાચારને વાચા આપતી ફિલ્મોને કરમુક્ત કરવામાં આવતી નથી. જેમકે ‘જય ભીમ’/‘આર્ટિકલ 15’ વગેરે. જ્યારે કાશ્મીર ફાઈલને જે રાજ્યોમાં સત્તાપક્ષની સરકારો છે ત્યાં કરમુક્ત કરવામાં આવી છે !

[4] એટલું જ નહીં સુરતના હિરાના કારીગરોને કાશ્મીર ફાઈલ જોવા માટે ટિકિટના પૈસા અને રજા માલિક દ્વારા અપાય છે. કાશ્મીરના પંડિતો અંગેની ફિલ્મનો ખાસ શો અમદાવાદમાં હિન્દુ સમાજ શામાટે કરે? હેતુ એટલો જ છે કે મુસ્લિમો વિરુધ્ધ લોકોમાં ઠાંસી ઠાંસીને ધૃણા ભરવી છે, જેથી આગામી ચૂંટણીમાં હિન્દુઓના મતો સત્તાપક્ષને મળે !

[5] મુસ્લિમો પ્રત્યે ધૃણા ફેલાવવા માટે અભિવ્યક્તિનું એક પણ ક્ષેત્ર વડાપ્રધાને બાકી રાખ્યું નથી. પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ગોદી બનાવ્યા ! ધર્મગુરુઓ/યોગીઓનું ખસીકરણ કરી નાંખ્યું ! લોકો મંદિરમાં જાય કે ધર્મગુરુ પાસે ત્યાં વડાપ્રધાનની વાહવાહી જ સાંભળવા મળે. અન્ના હજારે પણ ચૂપ ! લેખકો/પત્રકારો/ફિલ્મ કલાકારો પણ વડાપ્રધાનની વાહવાહી કરે. હવે ફિલ્મ નિર્માણ પણ રાષ્ટ્રવાદી એજેન્ડા મુજબ થાય છે.

[6] સૌથી ખરાબ બાબત એ છે કે આતંકવાદનો વાંક સેક્યુલર/માનવવાદીઓ ઉપર ઢોળવામાં આવે છે. સત્તાપક્ષને બંધારણના પાયાના મૂલ્યો સમાનતા/સ્વતંત્રતા/બંધુત્વ/સેક્યુલરિઝમ-ધર્મનિરપેક્ષતા આંખના કણાની જેમ ખૂંચે છે. તેમને મનુસ્મૃતિ મુજબનું રાષ્ટ્ર બનાવવું છે; જેમાં દલિતો/આદિવાસીઓ/મુસ્લિમોને સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વનો હક્ક ન હોય !

[7] 1989-90માં કાશ્મીરમાંથી પંડિતોની સામૂહિક હિજરત થઈ, એ વખતે RSS સમર્થન સાથે વિશ્વનાથ પ્રતાપસિંહ વડાપ્રધાન હતા અને કાશ્મીરમાં ગવર્નર જગમોહન મલહોત્રા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી હતા મુફતી મોહમ્મ્દ સૈયદ. જો હિજરત માટે મુફતીને/જગમોહનને જવાબદાર માનીએ તો 2015માં વડાપ્રધાને મુફતી સાથે જમ્મુ કાશ્મીરમાં સરકાર શામાટે રચી હતી? ટૂંકમાં સત્તા માટે પંડિતોનું દર્દ ભૂલી જનાર વડાપ્રધાન ક્યા મોઢે ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મની વકીલાત કરતા હશે?

બીજું 28 ફેબ્રુઆરી 2002ના રોજ, અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં 69 મુસ્લિમોની અને નરોડા પાટિયા ખાતે 90 મુસ્લિમોની સામૂહિક હત્યાઓ થઈ હતી તેવી સામૂહિક હત્યાઓની ઘટનાઓ કાશ્મીરમાં બની ન હતી. 600 જેટલાં હિન્દુઓની સામે 40,000 મુસ્લિમો આતંકવાદનો ભોગ બન્યા હતા; તે હકીકત ફિલ્મમાં છૂપાવી દીધી છે !

અંદાજે 2 લાખ હિજરતીઓમાંથી 2022 સુધીમાં માત્ર 3841 કાશ્મીરી પંડિતો પુન:સ્થાપિત થયા છે ! 2014થી વડાપ્રધાન પાસે પૂરી સત્તા છે; બધા હિજરતીઓને પુન: સ્થાપિત કરવામાં એમને નેહરુ રોકતા હશે?

‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મને સત્તાપક્ષનું જબરજસ્ત સમર્થન કેમ છે? વડાપ્રધાને કહ્યું છે કે “આટલી મોટી ઘટના બની હોવા છતાં કોઈ ફિલ્મ બનાવી શક્યું નહીં. કેમકે આટલા વર્ષોથી સત્યને દબાવવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા. જે લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના ઝંડા લઈને ફરતા હતા તે આખી જમાત અકળાઈ ગઈ છે !” પરંતુ વડાપ્રધાન ભૂલી જાય છે કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ, પોતાના શાસન કાળમાં બનેલ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીના નરસંહારની ઘટના મોટી હતી; તે ઘટનાને રજૂ કરતી ‘પરઝાનિયા’ ફિલ્મ પ્રદર્શિત કરવા 2007માં ગુજરાતનું કોઈ થીએટર તૈયાર નહોતું થયું, કેમ? મુસ્લિમો પ્રત્યે ધૃણા ફેલાવતી ફિલ્મના ફાયદા સત્તાપક્ષને ભરપૂર થાય છે.

બહુમતી હિન્દુઓના મનમાં આ ધૃણા જળવાઈ રહે તો પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવની/ડોલરના મુકાબલે રુપિયો ગગડી ગયાની/ મોંઘવારીની/ઊંચી શિક્ષણ ફીની/માંદલી આરોગ્ય સવલતોની/બેરોજગારીની/કુપોષણની/જાતિવાદની/બંધારણીય મૂલ્યોના હનનની ફરિયાદ કરવાનું કોઈને સૂઝે જ નહીં ! ધૃણા તો સત્તાપક્ષની જડીબુટ્ટી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.