નવા મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, દૂધ બાદ ગેસના બાટલામાં થયો ભાવ વધારો - Jan Avaj News

નવા મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, દૂધ બાદ ગેસના બાટલામાં થયો ભાવ વધારો

માર્ચનો પહેલો દિવસ ગ્રાહકો માટે મોંઘવારી લઈને આવ્યો છે. દૂધ માં 2 રૂપિયાના ભાવવધારા બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડર પણ મોંઘુ થયું છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધમાં સીધો લીટરે બે રૂપિયાનો વધારો ઝીંકી દીધો જે આજથી અમલમાં આવી ગયો છે.

આજે એટલે કે 1 માર્ચથી LPG ના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. આજે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે અને તે મુજબ આજથી જ LPG સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે.

આ વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત 2012 રૂપિયા થઈ ગઈ છે. તેની સાથે જ પાંચ કિલોના સિલિન્ડર છોટુમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 569 રૂપિયા થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ફેબ્રુઆરીએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજના વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત હવે 1907 રૂપિયાથી વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં તેનો ભાવ 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે મુંબઈમાં તેની કિંમત હવે 1857 થી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 6 ઓક્ટોબર, 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડર ના તો સસ્તો થયા છે કે ના તો મોંઘો થયો છે. જો કે આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો થઈ શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી માટે કેટલાંક મહિનાઓથી સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે અને આ રાહત ચૂંટણીને લઈને છે. પરંતુ હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે અને તે પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગઈ છે. જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચૂંટણી બાદ એટલે કે 7 માર્ચ પછી ગમે ત્યારે ઘરેલુ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે અને એક સમયે 100 થી 200 રૂપિયા સુધીનો વધારો પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.