વૈશ્વિક બજારોમાં સોનું તેની 1900 સપાટી ગુમાવી રહ્યું છે - Jan Avaj News

વૈશ્વિક બજારોમાં સોનું તેની 1900 સપાટી ગુમાવી રહ્યું છે

રૂપિયા સામે પાઉન્ડમાં જોરદાર કડાકો,ક્રુડ તેલ ફરી ૧૦૦ ડોલરની સપાટીને પાર

વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ઘટાડો થતાં ઘરઆંગણે પડતર નીચી પડી રહી છે, જેને પગલે બન્ને કિંમતી ધાતુમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વની બેઠક નજીક આવી રહી હોય વૈશ્વિક રોકાણકારો ગોલ્ડ કરતા ડોલર પર વધુ ધ્યાન આપી રહ્યાનું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ક્રુડ તેલ ફરી ૧૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયું હતું. ઘરઆંગણે રૂપિયા સામે મુખ્ય કરન્સીઝ નબળી પડી હતી. પાઉન્ડમાં જોરદાર કડાકો બોલાયો હતો.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૯૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૫૧૯૯૩ રહ્યા હતા તે આજે ઘટી રૂપિયા ૫૧૭૪૯ બંધ આવ્યા હતા. ૯૯.૫૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૫૧૫૪૨ મુકાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૬૫૫૯૭વાળા ઘટી રૂપિયા ૬૫૨૭૭ બંધ આવ્યાહતા.

અમદાવાદ બજારમાં ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૬૬૫૦૦ બંધ રહ્યા હતા. ગોલ્ડ ૯૯.૯૦ દસ ગ્રામના રૂપિયા ૫૩૪૦૦ જ્યારે ૯૯.૫૦ રૂપિયા ૫૩૨૦૦ મુકાતા હતા.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સૂચિત વધારાને કારણે વૈશ્વિક રોકાણકારો સેફ હેવન તરીકે ગોલ્ડને બદલે ડોલર તરફ વળી રહ્યા છે, જેને પરિણામે બુધવારે ડોલર ઈન્ડેકસ ફરી કોરોનાની મહામારીના પ્રારંભિક દિવસો વખતની ઊંચી સપાટીએ જોવાયો હતો. બુધવારે ડોલર ઈન્ડેકસ વધીને ૧૦૨.૩૭ જોવાયો હતો જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઊંચો છે.

વિશ્વ બજારમાં ગોલ્ડે ફરી ૧૯૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી અને મોડી સાંજે એક ઔંસના ૧૮૯૮.૬૪ ડોલર બોલાતા હતા. નીચામાં એક તબક્કે ૧૮૮૬.૮૯ ડોલરનો ભાવ જોવા મળ્યો હતો. ચાંદી ઔંસ દીઠ નીચામાં ૨૩.૨૫ ડોલર થઈ મોડી સાંજે ૨૩.૬૧ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ ૨૨૩૯ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ ૯૨૩.૮૩ ડોલર બોલાતું હતું.

ક્રુડ તેલમાં ન્યુયોર્ક ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ વધીને ૧૦૧.૯૩ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૧૦૫ ડોલર બોલાતું હતું. ક્રુડ ઓઈલમાં પૂરવઠા ખેંચને પગલે ભાવ ટકી રહ્યા છે.

ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર સાત પૈસા ઘટી ૭૬.૫૨ રૂપિયા રહ્યો હતો. પાઉન્ડ ૧૦૨ પૈસા ઘટી ૯૭ની સપાટી તોડી ૯૬.૩૪ રૂપિયા બંધ રહ્યો હતો. યુરો ૬૩ પૈસા ઘટી રૂપિયા ૮૧.૨૧ બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.