રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ ગરમી નવા નવા રેકોર્ડ તોડી રહી છે ,હવામાન વિભાગે ગરમી વધવાની કરી આગાહી - Jan Avaj News

રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ ગરમી નવા નવા રેકોર્ડ તોડી રહી છે ,હવામાન વિભાગે ગરમી વધવાની કરી આગાહી

રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ ગરમી નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ત્યારે શુક્રવારે પણ રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ આજે અગનભઠ્ઠીમાં ફેરવાશે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 2022 અગાઉ છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં એપ્રિલ માસમાં જ પારો 44ને પાર થયો હોય તેવું અગાઉ કદી બન્યું નથી. પરંતુ હવે આ વર્ષે એપ્રિલ માસમાં જ ચોથી વખત તાપમાન 44ને પાર થઇ ચૂક્યું છે. ગુરુવારે સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે પહેલા 8 એપ્રિલે 44 ડિગ્રી, 27 એપ્રિલે 44.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ સતત ત્રીજા દિવસથી તાપમાન 44થી વધુ નોંધાયો હતું. અમદાવાદમાં આજે 45 જ્યારે રવિવારથી મંગળવાર તાપમાન 42થી 44 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે. તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કૌઇ વિચારતા થઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતત પડી રહેલી ગરમીને કારણે ડી હાઇડ્રેશન, લૂ લાગવાના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોએ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને કામ વગર બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.