નવરાત્રીમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે? વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી - Jan Avaj News

નવરાત્રીમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે? વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે તો બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તો આ સાથે જ આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પાંચ દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા 17 અને 18 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એક વેલમાર્ક લો પ્રેશર અને બીજી વરસાદી ટર્ફની અસરને પગલે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ટૂંક સમયમાં વર્ષ 2022 ની નવરાત્રિ આવી રહી છે

નવરાત્રિમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પાડે તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. એટલે કે આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમયે વચ્ચે આવે છે આ કારણે ચોમાસામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 99.14% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા ઓવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.