ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી, ખેડૂતોને મળશે માવઠાથી રાહત ?
મહત્વનું છે કે હાલ ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાજકોટમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અંજાર અને પાલિતાણામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી આગાહી છે. આ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. જોકે, 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની પણ શક્યતા છે.
અત્યારે બદલાયેલા વાતાવરણના કારણે સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચે નોંધાઈ રહ્યું છે અને લોકોને ગરમી સામે ભારે રાહત મળી રહી રહી છે. પરંતુ ત્રણ-ચાર દિવસ પછી રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાશે અને તેમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.